Sunday 24 September 2017

લઘુકથા - તારા શહેરમાં !

               
                                               -        રામ મોરી
                                    rammori3@gmail.com

      સ્ટેશન પરના અવાજો અને ચહલ પહલના કારણે આંખ ખુલી ગઈ. કાચી ઉંઘનો થાક આંખમાં કણાની જેમ સ્હેજ ખૂંચ્યો.જાગીને સૌથી પહેલાં સામાન પર એકવાર નજર ફેરવી લીધી. ઉંઘમાં વીખરાયેલા વાળને બે હાથે પકડીને અંબોડામાં બાંધ્યા. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બારી પાસે મુકેલા પુસ્તકના પાના પર વાંછટ લાગી છે કે નહીં એ જોઈને મેં મારી સ્કાય બ્લુ રંગની સાડીના પલ્લુથી  પુસ્તક લૂંછી લીધું. સ્હેજ ઝૂકીને મેં સ્ટેશનનું નામ વાંચ્યું. એક ઘબકારો ચુકી ગઈ.અંકિત, આ તો તારું શહેર છે. આમ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તારા શહેરમાં આવીશ એ પણ આટલા વર્ષો પછી. આમ તો હું તારા શહેરમાં છું એવું કહી ન જ શકાય કેમકે હું નીચે નથી ઉતરી. બેસી રહી છું ટ્રેનની બારીના સળિયા સજ્જડ પકડીને. ટ્રેનમાં ચડી  ત્યારે અંદાજો હતો જ કે તારું શહેર રસ્તામાં આવશે જ. મેં નક્કી કરેલું કે ભલે આવે પણ હું આંખો બંધ રાખીશ. સજ્જડ બંધ.  સૂઈ રહીશ એટલે ખબર પણ નહીં પડે કે તારું શહેર ક્યારે આવ્યું અને ક્યારે જતું રહ્યું.  ખબર નહીં તોય મારી આંખ અહીંયા આવતા કેમ ખુલી ગઈ.
    સહેજ અકળામણ જેવું થાય છે. બહાર નીકળવાનું  મન થયું પણ બેસી રહીશ. પછી અંબોડામાંથી છૂટી પડેલી લટને બમણા ઝનૂનથી કાન પાછળ ધકેલી બંને હાથથી ચહેરો ઘસીને સાફ કરી નાખું છું અને ખુદને સમજાવું છું કે ના અનાહિતા, અહીં જ બેસી રહે. ક્યાંય જવાની જરૂર નથી. ફરી બારી બહાર જોઈ રહી. એવું લાગ્યું કે બહાર ઉભેલા દરેક લોકો મારી તરફ આંગળી ચીંધીને કહી રહ્યા છે કે આ તો પેલા અંકિત સાથે હતી એ જ અનાહિતા છે. હું એકદમથી ઉભી થઈ ગઈ. મોટા મોટા ડગલા ભરીને ટ્રેનના દરવાજે ઉભી રહી ગઈ. બહાર વાતાવરણ વરસાદી હતું. સાંજના ચાર વાગ્યા હતા. એકવાર તારા શહેર પર એક નજર કરી અંકિત. ઉંડા શ્વાસ લીધા. કોઈ પરિચિત સુગંધ જાણે કે મારા ફેફસામાં ભરાઈ. તરત જ ડરની મારી એક ડગલું પાછળ હટી ગઈ. તને એક વાત કહું અંકિત, તારા શહેરની ગંઘમાં પણ  તું જ છે. છોભીલી પડી જાઉં છું. વરસાદ સાથે પવન છે. કોટન સાડીનું પલ્લું પણ હવામાં ફાવતું નથી એ રીતે લહેરાઈ રહ્યું છે. અંબોડાની ખાસ્સી લટો નીકળી આવી એટલે વાળ છોડી નાખ્યા. વાળ ઉડ્યા અને ઠંડો પવન પીઠ પર અથડાયો. એક ધબકારો ચુકી ગઈ કે તારા શહેરના પવનમાં પણ તારા આંગળાનો સ્પર્શ અકબંધ છે. મારા કપાળ પર અને છાતી પર ઝીણા વરસાદનો ભેજ છે કે તારા સ્પર્શથી વળેલો પરસેવો એ હું નક્કી નથી કરી શકતી. બાજુમાં રેલ્વેનો બીજો ટ્રેક છે અને એ પાટા પર કોઈ અજાણ્યા નાના છોડ ઉગ્યા છે. નક્કર લોખંડ વચ્ચે કુંપળનું ફૂંટવું એ જોવું ગમે પણ એનું અસ્તિત્વ કેટલો સમય ? કદાચ આપણા  સંબંધ જેટલું જ. જો હું અત્યારે અદબવાળીને  હોઠ દ્રઢતાથી બીડીને ઉભી છું કેમકે મારે કોઈ ફરિયાદ નથી કરવી. તને હંમેશા એવું જ લાગતું હતુને અંકિત કે હું જ ફરિયાદ કરું છું, જો કાયમ માટે ચૂપ થઈ ગઈ.અત્યારે એ પાટા ખુલ્લા છે. થોડા સમય પહેલાં ત્યાં પણ કોઈ ટ્રેન હશેજ ને. જેમ અત્યારે આ ટ્રેન અહીં ઉભી છે એમ. એનો સમય આવ્યે એ પણ જતી રહેશે. પાછળ બધું એમનું એમ રહેશે જેમ તારા ગયા પછી હું રહી ગઈ એમ, એમની એમ.
  તું તારા ઘરની બારી પાસે બેસીને લખી રહ્યો હોઈશ. પવનમાં તારા પુસ્તકના પાના ફરફરી રહ્યા હશે. તારી બાજુમાં મુકાયેલા ચાયના મગમાંથી આછી વરાળ નીકળતી હશે. તારા ટેબલની આસપાસ પુસ્તકોની ભેજવાળી ગંધ પથરાયેલી હશે. તું લખતો લખતો અટકી જઈશ અને બારી બહાર વરસતા વરસાદને જોઈશ ત્યારે તને તો ખબર પણ નહીં હોયને કે તારા શહેરમાં હું આવી છું, અને જતી પણ રહેવાની. કેવું કહેવાય કે આટલા બધા માણસોથી ધબકતા આ શહેરની ઓળખ મારા માટે તો માત્ર તારું શહેર છે. તને એવું અત્યારે થોડીવાર પણ અનુભવાતું હશે કે વરસતા વરસાદમાં હું આવી છું, નહીં આવવા બરાબર. ખબર નહીં.ટ્રેનની વ્હીસલ વાગી. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડી રહી છે. હું આગળપાછળ જોયા વિના પાછી મારી જગ્યાએ ગોઠવાઈ જાઉં છું. ખબર નહીં કેમ પણ આંખમાં આંસુ આવી જાય છે વારંવાર. આંખોના નંબર વધી ગયા છે,બહું દૂરનું જોવાનું હવે બંધ કરવું પડશે. તારું શહેર છૂટી રહ્યું છે ધીમે ધીમે અને તું ત્યાં જ છે હજું પણ અકબંધ.


No comments:

Post a Comment