Thursday 30 June 2016

વાર્તા - પોપડી

વાર્તા - પોપડી
જીવનમાં બધા જ લોકો આપણને સમજે અને સમજીને સ્વીકારે એ શક્ય નથી જ અને એ સનાતન સત્ય છે એ જાણતા હોવા છતાં પણ વારંવાર આપણને કોઈ સમજતું નથી એ વાતનું રોણું સતત ચાલતું રહે એ બતાવે છે કે આપણે માણસ છીએ....લાગણીથી ધબકતા અને અપેક્ષા ઉપેક્ષાના લોલક સાથે હાલક ડોલક થાતા માણસ છીએ...કોઈ જાત ન્યોછાવર કરવા તૈયાર હોય અને તેના પ્રત્યે આપણને સહેજ પણ ભીનાશ ન હોય અને કોઈ આંખ મીલાવવા પણ રાજી ન હોય અને તેની પાછળ જાત ઘસી નાખીએ એટલા વિચિત્ર છીએ કેમકે માણસ છીએ...મનને મનાવતા શીખવું જ પડશે એવું વારંવાર જાતને સમજાવ્યા પછી પણ મનથી એક જ અને એજ પરિસ્થિતિ સામે વારંવાર હારી જવા તૈયાર થતા રહીએ છીએ કેમકે માણસ છીએ..મક્કમ અને સક્ષમ હોવાની સખ્ત દિવાલ ચણીને જીવતા આપણે એ જ દિવાલ સાથે માથુ પટકી પટકીને રડીએ છીએ કેમ કે માણસ છીએ...લાગણીથી ધબકતા અને અપેક્ષા ઉપેક્ષાના લોલક સાથે હાલક ડોલક થાતા માણસ છીએ..
સેક્સ અને સ્ત્રી એ સાહિત્યમાં મોટા ભાગે અલગ અલગ સંદર્ભ સાથે રજૂ થયેલો વિષય છે. ગુજરાતી ભાષામાં સેક્સ અને સ્ત્રીના મનમાં એ અંગેના પ્રશ્નનોને નખશીખ રજૂૂ કરતી અનેક વાર્તાઓ લખાઈ ચૂકી છે. આ વાર્તા પણ એમાંની એક છે જેમાં સ્ત્રીના અસ્તિત્વની વાત કરવાનો પ્રયત્ન છે. "ઠંડી" અને "રંડી" આ બે ચોગઠાઓમાં સ્ત્રીને બાંધી રખાઈ છે અને માટે એ પોતે જ જાણે કે જવાબદાર હોય એવું દર્શાવાયું છે વારંવાર. શયનેષુ રંભા....કહીને પણ એક ઉદાહરણ પૂરું પડાયું છે કે આ પેરામીટર છે તેના બેડરૂમનો. એક ક્ષણ વિચારવા જેવી બાબત એ છે કે દરેક સંબંધોમાં સ્ત્રી સામે એક આઈડિયલ ફેસ ગોઠવી દેવામાં આવે છે કે એણે આ આઈડિયલ ફેસના વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને જ પોતાને પુરવાર કરવાની છે. કેટકેટલાય દાખલાઓ ક્ષણેક્ષણ પતિ પાસેથી, ઘર પાસેથી, કુટંબ પાસેથી,સમાજ પાસેથી, ધર્મ અને પુરાણ પાસેથી સ્ત્રીઓ સામે ઉભા હોય છે કે આ જે છે એવું જ અને એટલું જ યોગ્ય છે...અને તું અમને આવી જ અને આ પ્રમાણમાં જ સ્વીકાર્ય છે..!
આ વાર્તા એક એવી છોકરીની છે જેને નાનપણથી બધા જ કામમાં ઢીલી અને બુદ્ધુ સાબિત કરવામાં આવી છે. નાયિકાના લગ્નની આગલી રાત છે. બંને હાથમાં મુકાયેલી મહેંદીનો રંગ ઘાટ્ટો આવે એટલા માટે લીંબુ અને ખાંડના પાણીના પોતા અને ચુનો તેની બહેનપણીઓ દ્વારા મૂકવામાં આવે છે. અહીં તેની બહેનપણીઓ નાયિકાના પોતાના લગ્નના અને પતિ સાથેના અનુભવોની વાતો કરે છે. આ દરેકની વાતોની કડવાશ, ખટાશ, મીઠાશ કે ચરચરાટ નાયિકાના મનમાં ઘુમરાતો રહે છે. બહેનપણીઓ પાસેથી મેળવેલી એ શિખામણથી એ પોતાના લગ્નજીવનની શરૂઆત કરવા જઈ રહી છે. પોતાાની બહેનપણીઓના અનુભવો, અને સંબંધો પ્રત્યેની તેની મૂંઝવણ, ગુંગળામણ, શંકાકુશંકા અને દબાયેલી લાગણીનો એ આવેગ નાયિકાના અસ્તિત્વ પર, સ્વભાવ પર પ્રશ્વો ઉભા કરે છે ત્યારે ફરીથી એ વાત નાગની જેમ ફૂંફાડો મારીને ઉભી રહે છે કે "ઠંડી" અને "રંડી" આ બે ચોગઠાઓમાં સ્ત્રીને બાંધી રખાઈ છે જાણે અજાણે !

'MAHOTU' is Available On Flip-kart & Pratham Books website
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
You can Get The Copy Of My Book From Pratham Books website
http://www.prathamgujaratibooks.com/book-details.aspx
You can visit my Blog also on - http://raammori.blogspot.in/
For This Photo
Editing & Design by Parth Rathod