Wednesday 16 March 2016

વાર્તા - બળતરા

    વાર્તા - બળતરા

'બળતરા' વાર્તા લખી એ વાતને આમ તો બે વર્ષ પૂરાં થવા આવ્યા. આ વાર્તા સૌરાષ્ટ્રના નાનકડા ગામડાના વાતાવરણમાં રચાઈ છે. મૂળે તો ત્રણ સ્ત્રીઓની આ વાર્તામાં વાત કરી છે.14 વર્ષની હર્ષા છે આખી વાર્તામાં કેન્દ્ર સ્થાને છે એનાં કરતાં હર્ષાની આંખે જોવાતી સ્ત્રી જીવનની દુર્દશા વાર્તામાં કેન્દ્ર સ્થાને છે એમ કહેવું યોગ્ય રહેશે.
ગામમાં જશી નામની એક બાઈ છે જે સંતાન ન આપી શકવાના કારણે સાસરિયાના મેણાટોણાથી ત્રસ્ત છે, જશી સાથે નાયિકા હર્ષાનો મનમેળ એ રીતે છે કે સાસરિયે કરિયાવરમાં લઈ જવાનું ભરતગુંથણ જશી હર્ષાને શિખવે છે. અહીં એક સ્ત્રી બીજી સ્ત્રીની આવતીકાલમાં આભલા ટાંકી રહી છે જ્યારે એના ખુદના ઘરમાં અંઘારું ઘનઘોર છે. હર્ષાની બા તેજલ પણ વાર્તામાં એક મૂક સાક્ષી બનીને આખી ઘટનાને સતત મૂલવી શકતું પાત્ર છે. રોજબરોજના ત્રાસથી જશીએ અગ્નિસ્નાન કરી લીધું છે. જશીના ભડકે બળતા શરીરને જોઈ ડઘાઈ ગયેલી હર્ષા જશીની બળતરા અનુભવી રહી છે. અહીં વાર્તામાં બા, હર્ષા અને જશી સહિત અનેક સ્ત્રીઓની બળતરા એક સાથે રજુ કરી સમાજચિત્ર રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.
સૌરાષ્ટ્રની વાત હતી અને સાથોસાથ સ્ત્રીના મૃતદેહની અંતિમ ક્રિયા જેવી બાબતો રજૂ કરવાનો અવકાશ મળતા મેં વાર્તામાં મરસિયા ( મૃત્યુગીતો) રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen…

For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - ગરમાળો ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ

વાર્તા - ગરમાળો ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ
આપણે બધા દરેક સંબંધોમાં એક પરિણામની આશા લઈને બેઠા હોઈએ છીએ..જ્યાં સુધી કોઈ સંબંધની ફલશ્રુતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એક ટળવટાળ સતત આપણી અંદર ઘુમરાતો રહે છે. આપણી વાતોમાં કહેવાઈ ચુકેલી વાતો કરતાં નહીં બોલાયેલી વાતોની ગુંગળામણ વધારે હોય છે.
આ વાર્તાની નાયિકાના એમના પરણિત બોસ સાથે સંબંધ છે. બોસને એની પત્ની સાથે નથી બનતું એ વાતની જાણ નાયિકાને છે જ. પરંતુ ધીમે ધીમે નાયિકાની ઉંમર વધે એમ સફેદ વાળને સંતાડતી નાયિકા પોતાના સંબંધને હવે છૂપાવવા નથી માગતી. નાયિકાના ઘરની બહાર એક ખખડેલું કટાયેલું કાળા પડી ગયેલું બસસ્ટોપ છે અને એ બસસ્ટોપને અડીને ગુલમહોર ખીલેલો છે. રોડના સામા છેડે પાંજરામાં ગરમાળો ઉગેલો છે. નાયિકા ગરમાળો, ગુલમહોર અને બસસ્ટોપમાં પોતાના સંબંધને જોતી હોય છે. બોસની એકદમ નજીક આવીને પણ એક અજંપો અને અંદરથી ઘેરી વળેલો છે. બોસના ઘરમાં નાના મોટા ચેન્જીસ કરીને પણ પોતાના અસ્તિત્વની હાજરી પૂરાવવા મથતી રહે છે. બોસની પત્નીને એ જ્યારે જ્યારે જુએ ત્યારે કોઈક ખીણમાં ફસાયેલી હોવાનું અનુભવ્યા કરે છે. દરેક પરિસ્થિતિથી ભાગતી અને તો પણ એ પરિસ્થિતિના ન હોવા પર બેચેન બની જતી નાયિકા કશુક થવાની આશાએ ગુંગળાયા કરે છે. દિવાલને ટેકો દઈ ઓછાડથી શરીર ઢાંકીને એ સીગારેટના ધૂમાડા કાઢતા બોસને જોયા કરે છે અને સીગારેટના ધુમાડામાં પોતાના સંબંધોના આકાર શોઘ્યા કરે છે.
પ્રણય ત્રિકોણમાં ફસાયેલી કે આવી પડેલી બે સ્ત્રીઓનો પોતિકો મુંઝારો આ વાર્તામાં બતાવવાનો પ્રયાસ કર્યો છે.

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - એકવીસમું ટિફિન

વાર્તા - એકવીસમું ટિફિન
રોજબરોજની જીવાતી બિંબાઢાળ જીંદગીમાં એકાએક કોઈના આવી જવાાથી જીવાતા જીવનમાં ધરમૂળથી બધું બદલાઈ જાય એવું શક્ય છે ખરું ? કોઈના મંતવ્ય કે અભિપ્રાય તો ઠીક પણ એનું માત્ર હોવાપણું આપણી અંદર બહું બધુ બદલી નાખે. સામાવાળાને એ વાતનો ક્યારેય અંદાજ પણ ન હોય અને તો પણ આપણે એના હોવાપણા પર છલકાઈ જઈએ એ સુખ કેવું ? આમ તો ઉષ્મા અને ઊમળકાને માપવાના કોઈ મશીન નથી નહીંતર આંખ આડા કાન દઈને ચાલી આવતી સમાજની એક આખી અર્થવ્યવસ્થા ખુલ્લી પડી જાત !!
આ વાર્તા એક એવી સ્ત્રીની છે જે ટિફિનની રસોઈ બનાવવાનો વ્યવસાય કરતી હોય અને એની આખી જીંદગી એણે વીસ ટિફિનની રસોઈ બનાવવા પાછળ વ્યસ્ત બનાવી દીઘી હોય છે. પતિ અને દીકરીને તો એ સ્ત્રીના હોવાપણા કે ન હોવાપણાથી ખાસ કોઈ ફરક નથી પડતો. પોતાની જાતને પ્રેમ કરવાનું ક્યારનુય ભૂલી ચુકેલી એ સ્ત્રીના જીવનમાં એકવીસમું ટિફિનના પ્રવેશતાની સાથે જ. ઉથલપાથલ મચી જાય છે. એક યુવક આવે છે અને એ આ સ્ત્રીની રસોઈના વખાણ કરે છે એ સાથે જ પોતાનામાં પણ કયાંક કોઈ ખૂણે કોઈ ખાસીયત છે કે જેની પ્રશંસા થઈ શકે એવો વિશ્વાસ દ્રઢ થાય છે. એ જ માહોલ અને એ જ પરિસ્થિતિ વચ્ચે પણ એ સ્ત્રીને લાગે છે કે હા યાર, લાઈફ તો બહું બ્યુટિફૂલ છે. વાર્તામાં નાયિકા એ આ સ્ત્રીની દીકરી છે. આ આખી પરિસ્થિતિ મા દિકરીના સંબંધોમાં ગુંચવાડા ઉભા કરતી થઈ જાય છે. નાયિકા માટે એક તબક્કે મમ્મીનો ધરમૂળથી થયેલો બદલાવ અસહ્ય થઈ પડે છે.એમ છતાં ક્યાંકને ક્યાંક એવું અનુભવી શકે છે કે કદાચ મમ્મી સાથે અત્યાર સુઘી અન્યાય થતો રહ્યો છે. પોતાની ઉંમરના યુવક માટે ઘેલી થતી મમ્મીને જોઈ નાયિકા આખી પરિસ્થિતિને ઉકેલવા જતા વઘુને વઘુ ગુંચવાતી જાય છે.
આપણા સૌના જીવનમાં અમુક સંબંધો એવા હોય છે જેને કોઈ ટેગની જરૂર નથી..કદાચ એવું પણ બની શકે કે દરેક વસ્તુને ચોક્કસ માપદંડ અને ચોક્કસ વિચારધારાથી સ્વીકારી શકવાની આપણી ટેવે સંબંઘોને અનુભવી શકવાની ચેતનાને બુઠ્ઠી નાખી છે. સાચે જ ઉષ્મા અને ઊમળકાને માપવાના કોઈ મશીન નથી નહીંતર આંખ આડા કાન દઈને ચાલી આવતી સમાજની એક આખી અર્થવ્યવસ્થા ખુલ્લી પડી જાત !!

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - હવડ

વાર્તા - હવડ
કોઈપણ બાબતને સમજી શકવી અને સ્વીકારી શકવી એ બે અલગ વાત છે. આપણા સૌની લાઈફમાં એવા કેટકેટલા સત્ય હોય છે જે દિવા જેટલા ચોખ્ખા દેખાતા હોવા છતાં આપણે સ્વીકારી શકતા નથી. આમ જુઓ તો એને કદાચ વાસ્તવિકતાથી ભાગવું ન કહી શકાય પણ તમાચો મારીને ગાલ લાલ રાખી બીજા કરતાં પોતાના માહ્યલાને ખુશ કરવાનો મિથ્યા પ્રયત્ન કહી શકાય. આખી દુનિયાને સમજાવી શકાય પણ આપણી અંદર જે આપણો અવાજ છે એને સમજાવી શકવું સૌથી કપરું છે. પિડાનું કોઈ પરિમાણ નથી નહીતર એના ગ્રાફ તૈયાર થાત અને એને આધારે માણસના સુખદુખના લેખાજોખા થાત.મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ સામે લડી શકતા અસ્તિત્વને બીજા કરતા ક્યારેક પોતાના સવાલો જ થકવી દેતા હોય છે. ક્યારેક કશાક ફેરફાર કે ચમત્કારની રાહમાં નિરાશાનું અંધારું માણસને એટલું ઘેરી વળે કે સંવેદનાના પ્રકાશ સામે એ હંમેશા માટે રતાંધળો થઈ જાય
આ વાર્તા એક ચાલના ત્રણ અલગ અલગ માળામાં રહેતી ત્રણ સ્ત્રીઓની છે. ઉપરના ત્રીજા માળામાં ગ્રેજ્યુએશન અધુરું છોડીને પાણીપુરીની લારીવાળા રાકેશ સાથે ભાગીને આવેલી વિદિશા રહે છે. બીજા માળામાં દેહવ્યાપાર ચાલે છે જેમાં મંજરી નામની એક બંગાલણ છોકરી રહે છે અને પ્રથમ માળા પર ભોંયતળિયે સવિતાબાઈ નામની એક મચ્છીવેચવાવાળી મરાઠણ રહે છે જે એક દારુડિયાની રખાત બનીને રહે છે. ત્રણેયની જીંદગી એકબીજા સાથે વણાયેલી છે. વિદિશાને લાગે છે કે રાકેશ સાથે એણે લવમેરેજ કરીને ભૂલ કરી છે અને એને પોતાનું ગ્રેજ્યએશન હવે પૂરુ કરવું છે, મંજરીને પોતાની ગઈકાલ કે આવતીકાલની ખબર નથી સિગારેટના કશ લઈ બારીની ગ્રીલ પર ધુમાડા કાઢી લીપસ્ટીક ઠીકઠાક કર્યા કરે છે. ઢોરમાર અને અત્યાચાર વચ્ચે પણ સવિતાને લાગે છે કે જે છે એ હવે આ સત્ય છે કેમકે જીવવા માટે કશાક કારણની તો જરૂર પડે તો આ કારણ પણ ખોટું નથી. એકબીજાને બળવો કરવાનું કહી પ્રત્યક્ષ કે પરોક્ષ ધક્કો આપતી આ ત્રણેય સ્ત્રીઓ વરસાદી હવડ વાસની જેમ માળાના લાકડાઓ સાથે ગંધાઈ રહે છે અને ચાલીઓના નેવે લટકતા પીળા બલ્બના જીવડાઓ જેમ ઉડાઉડ કરે છે.
અહીં વાર્તામાં અંધાકા ઉલેચતી આંખોના થાક સાથે ગુંગળામણના તાળા પર ફસાઈ જતી ચાવીનો હાંફ છે. ક્યારેક કશાક ફેરફાર કે ચમત્કારની રાહમાં નિરાશાનું અંધારું માણસને એટલું ઘેરી વળે કે સંવેદનાના પ્રકાશ સામે એ હંમેશા માટે રતાંધળો થઈ જાય

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - બાજુ

વાર્તા - બાજુ
કેટલીક વસ્તુઓ સાથે આપણા ઈમોશન્સ જોડાઈ જતાં હોય છે. મોટાભાગે એ વસ્તુઓની કિંમત કરતાં એ વસ્તુઓના હોવાપણા પર માણસ આધાર રાખતો થઈ જાય ત્યારે એ વસ્તુઓ એ વ્યક્તિ માટે મુઠી ઉંચેરી બની જતી હોય છે.
આ વાર્તા જીવી નામની એક છોકરીની છે જેને જોઈએ છે બાજુ. બાજુ એ સોનાનું એક એવું ઘરેણું છે જેને સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓ જમણા કે ડાબા હાથે કોણીના ઉપરના ભાગે પહેરતી હોય છે. ચાર બહેનો અને ત્રણ ભાઈઓ સાથે વિઘવા બા સાથે નાનકડા ઘરમાં રહેતી હોય છે. જીવી સૌથી નાની અને હોંશિયાર છે. એના બાની પણ જીવી સૌથી વહાલી છે. વ્રત દરમિયાન બહેનપણીના હાથમાં બાજુ જુએ છે અને જીવી પોતાને બાજુ જોઈએ જ એવી રઢ લઈને બેસે છે. અહીંથી શરૂ થાય છે એક સ્ત્રીનો પોતાને જોઈતા ઘરેણા બાજુ માટેનો સંઘર્ષ. આ સંઘર્ષમાં જીવી પોતાની બાને વધારે સારી રીતે સમજતી થઈ જાય છે. સાસરિયેથી આવેલી મોટી બહેન બાજુ પહેરવા આપે છે અને એ બાજુ જીવી મેળામાં ખોઈ બેસે છે. એ પછી મોટી બહેનને પડેલી તકલીફોથી જીવી બાજુ માટે નિરસ થઈ જાય છે અને સતત એવા અપરાધભાવથી પીડાતી રહે છે કે એને કારણે જ મોટીબહેનને સાસરિયે કંઈકેટલુંય સાંભળવું પડ્યું હશે. છેક સાસરિયે જતી વખતે જીવી બાજુ જુએ છે અને એ પણ આજ સુધી એની બહેનપણીઓ અને બહેનોને આવેલા બાજુ કરતાંય ચડિયાતું. સાસરે આવીને પોતાના બાજુને રમાડતી જીવીનો બાજુ મેળવ્યા પછીનો સંઘર્ષ પણ અવિરત રહે છે અને બા પછી જીવી બાજુ થકી એનો વર વઘારે નજીકથી ઓળખાયો. એક નાનકડા ઘરેણા માટે વલખા મારતી નાયિકા જીવીને પોતાના ટળવળાટમાં સમાજ અને સંબંધોના ઘણા ચહેરા જોવા મળે છે
આપણી ઈચ્છાઓની પૂર્તિ માટે દોડી જતાં લોકોની કદર ખબર નહીં ક્યારે અને ક્યા તબક્કે થતી હોય છે. આપણને ખૂશ કરતા એ લોકોની ખૂશી મોડા તો મોડા પણ જ્યારે સમજાય ત્યારે વધાવવામાં મોડું ન જ કરવું જોઈએ

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod
P.S - Shakti Sinh
Modeling by - Naina Dabhi

વાર્તા - થડકાર

વાર્તા - થડકાર
આપણી આજુબાજુ દેખાતી આપણને સ્પર્શતી આપણી સમસ્યાઓમાં વાસ્તવિકતા કેટલી એવો પ્રશ્ન ક્યારેય આપણને થયો છે ખરો ? ક્યારેક એવું પણ નથી હોતું કે આપણી પિડા અને તકલીફો પર નખ ખોતરી ખોતરીને એના તાજા રાખવાની આપણને ટેવ પડી ગઈ હોય ? જેને પ્રેમ કરીએ છીએ એ લોકો માત્ર સામો પ્રેમ જ આપે એ પણ આપણી શરતે અને આપણી અનુકૂળતાએ એ અપેક્ષા કેટલી સાચી ? આ દુનિયામાં સૌથી વધારે હું જ દુખી છું અનેં મારા પર તકલીફોના પહાડ તુટી પડ્યા છે એવું માની લેવામાં આપણને ક્યારેક અંદરથી સારું લાગતું હોય છે એવું નથી ? બહારથી ઉભા થયેલા પડકારો અને તકલીફો સામે તો લડી શકાય પણ અંદરથી ઉભા થતા જુવાળ સૌથી વધારે થકવી આપતો હોય છે ! મોઢું ઢાંકવાની આપણી જીદ આપણને ગુંગળામણના વમળોમાં દબોચી લે છે જાણે અજાણે...અને તો પણ આપણે લડતા રહીએ છીએ..હાંફતા રહીએ છીએ અને ફરીફરી નવી લડાઈ માટે સજ્જ થતા રહીએ છીએ...કદાચ એ બાબતો આપણને માણસ હોવાની સાબિતીઓ પૂરી પાડતી રહે છે..શ્વાસ લઈએ છીએ અને લાગણીઓથી ઘબકીયે છીએ આ વાતને હોંકારો આપતી રહે છે !
આ વાર્તા એક એવી છોકરીની છે જેને કોઈક પ્રકારની સ્કીન પ્રોબ્લેમ્સ થઈ છે, બદલાઈ રહેલી ત્વચા એને પણ અંદરથી બદલાવી રહી છે..ચહેરા પર ફૂટી નીકળતી ફોલ્લીઓમાંથી પરુની સાથોસાથ એકલતા અને ગુંગળામણ પણ ભરાતી જાય છે. વારંવાર અરીસા જોઈને એ પોતાના અસ્તિત્વને ફંફોસતી રહે છે. એને લાગે છે કે મમ્મી પપ્પાનું વર્તન બદલાયું છે..દરરોજ પોતાના ટુવાલથી વાળ લૂંછતી એની નાની બહેન આજે મોટી બહેનનો ટુવાલ અવોઈડ કરે છે...એના હેન્ડગ્લવ્સ સીધા બાથરૂમમાં ધોવામાં ફેંકાઈ રહ્યા છે..ઓફિસમાં એને જે પ્રેજેન્ટેશન લીડ કરવાનું હતું એ બાબતે બોસનો ઉત્સાહ ઓસરી રહ્યો છે..દરરોજ કલાકો ચેટ કરતો બોયફ્રેન્ડ આઉટ ઓફ કવરેજ છે..આ બધી બાબતો આમ તો પૂરતી થઈ પડે છે એને વિચિત્ર કહી શકાય એવી એકલતામાં ધકેલવા માટે..પણ એક પ્રશ્ન એવો થાય છે કે આ બધી પરિસ્થિતિ ખરા અર્થમાં છે કે સંજોગ સાથે ઉભી થઈ છે અને નાયિકા માનીને બેસી ગઈ છે..આકાશમાં દેખાતા છૂટાછવાયા વાદળાઓ એને આકાશના ચહેરા પર લાગતા ફોલ્લાઓ લાગે છે..કુંડાના છોડના લીલા પાનના સફેદ ડાઘાઓ અને પોતાની મશ્કરી કરતા હોવાનું લાગે છે..સોસાયટીના મકાનોની તિરાડો પર લાગેલી સફેદ સિમેન્ટ એને ચહેરા પર ઉગી નીકળેલા કરોળિયા જેવા લાગે છે..
ખરેખર, જેને પ્રેમ કરીએ છીએ એ લોકો માત્ર સામો પ્રેમ જ આપે એ પણ આપણી શરતે અને આપણી અનુકૂળતાએ એ અપેક્ષા કેટલી સાચી ? આ દુનિયામાં સૌથી વધારે હું જ દુખી છું અનેં મારા પર તકલીફોના પહાડ તુટી પડ્યા છે એવું માની લેવામાં આપણને ક્યારેક અંદરથી સારું લાગતું હોય છે એવું નથી ? બહારથી ઉભા થયેલા પડકારો અને તકલીફો સામે તો લડી શકાય પણ અંદરથી ઉભા થતા જુવાળ સૌથી વધારે થકવી આપતો હોય છે ! મોઢું ઢાંકવાની આપણી જીદ આપણને ગુંગળામણના વમળોમાં દબોચી લે છે જાણે અજાણે..!

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - ઠેસ

વાર્તા - ઠેસ
જીવનનો એક એવો તબક્કો જ્યારે લાગે કે હવે બસ બધું ખતમ થઈ ગયું છે...હવે આગળ કશું જ થઈ શકે એમ નથી...પોતાના કહેવાતા બધા જ લોકો ખરા અર્થમાં ખુલ્લા પડી જાય અને એકલતા તમારી સામે દાંતિયા દેતી સંબંધોની નગ્ન મજાક કરતી તમારી સામે ઉભી રહી જાય છે...ત્યારે તરણું ય મળે તો તરી જવાય એવી હાલત હોય છે. આપણી આસપાસ રહેતા લોકોમાં આપણી હાજરી કેટલી અગત્યની એ વાત ક્યારેક સત્ય સાથે સામે આવીને ઉભી રહી જાય ત્યારે શ્વાસ લઈ શકવું એ સાહજિક ક્રિયામાં પણ તકલીફ થવા લાગે છે
આ વાર્તા આવી જ એક છોકરીની છે. પોતાના ઉંમરની બધી છોકરીઓ પરણી ચુકી છે પરંતુ નાયિકાના લગ્ન હજુ સુધી થઈ શક્યા નથી કેમકે નાયિકાનો પરિવાર દિકરી માટે મોટા રૂપિયાવાળા ઘરના માગાની રાહે છે...જો જમાઈ રૂપિયાવાળો મળે તો દિકરીની સાથોસાથ દીકરાઓની જીંદગી પણ બની જશે એ લોભે ડોશી દિકરીનું સગપણ કરતા નથી..ઉંમરના એક પડાવે નાયિકાને ભયંકર એકલતા ઘેરી વળે છે, હિંડોળાની ખાટે ઠેંસ લેતી લેતી પોતાના ભવિષ્યના સપનાઓ તડકાથી તપેલા નળિયાઓને જોઈ એ વિચારતી રહે છે. ઈમોશનલ જરૂરિયાતની સાથોસાથ શારીરિક જરૂરિયાત પણ જ્યારે ફૂંફાડા મારે છે ત્યારે નાયિકાની હાલત દયનીય થઈ જાય છે અને એ કોઈપણ રીતે શોધી લે છે પોતાનો રસ્તો..
સંબંધોમાંથી વિશ્વાસ ઉડી જાય એ પણ એ વાતને લઈને જ્યારે આપણને ખબર પડે તે સંબંધોમાં આપણી જરુરિયાત એ આપણા હોવાથી સામા પક્ષે કેટલો ફરક પડે છે એ વાતને લઈને હોય છે...નહીં કે આપણા અસ્તિત્વથી...આપણા સ્વભાવથી...આપણા પોત્તાના ઈમોશન નીડ પર...જીવનમાં કેટલાક વાસ્તવ ઢંકાઈ રહે એ બહું સારું છે કેમકે ખુલ્લા પડી ગયેલા ઘાવ પર રૂઝ કરતા ખણખોદની શક્યતા વધારે હોય છે !

'MAHOTU' is Available On Flip-kart
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
For This Photo
Editing & Design by Parth Rathod

વાર્તા - સારા દિ'

વાર્તા - સારા દિ'
ઈચ્છાઓની શાશ્વત પૂર્તિ ખરી...?? .ઈચ્છાઓનો કોઈ છેડો ખરો કે જેને પકડી શકા, કસકસાવીને પકડી શકાય અને એક ઝાટકે પોતાનાથી અલગ કરી દેવાય ! ઈચ્છાઓની કોરી આગ છાતીમાં ભડકે બળ્યા કરે ત્યાં સુધી સંઘર્ષ છે, કુદરત સાથે...દુનિયા સાથે...ખાસ તો પોતાની સાથે.! ક્યાંકને ક્યાંક આ ઈચ્છાઓનો ઉભરો માણસને જીવતો રાખે છે કેમકે સંતોષ હોય તો સંઘર્ષ ક્યાં ? ઈચ્છા જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને દબોચી રાખે છે જીવવા માટે...નવી નવી ઈચ્છા સાથે નવી નવી આશાઓ જાગે છે અને એની પૂર્તિ માટે આપણે દોડતા રહીએ છીએ અને એ દોડ સાથે દરેક વખતે જન્મે છે સંઘર્ષ અને સંઘર્ષ સાથે ફરી નવી ઈચ્છા
આ વાર્તા એક એવી સ્ત્રીની છે જે પ્રેગનેન્ટ છે. પ્રેગનેન્સીનો એક સમયગાળો એવો હોય છે જ્યારે નવું નવું ખાવા માટેની એક તલપ માણસની અંદર ભડકે બળતી હોય છે. નાયિકા બહું જ મોટા સંયુક્ત પરિવારની એવી નાની વહું છે કે જેનો વર કશું પણ કમાતો નથી. પતિની જ્યારે સંયુક્ત પરિવારમાં કોઈ આવક ન હોય અને એ સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અને નવું નવું સારું સારું ખાવાની ઈચ્છાઓ થાય તો પણ એ ઈચ્છાને મારીને જીવતું રહેવાનું એ આખી વાતમાં એક સંઘર્ષ છે. પોતાની ઈચ્છાઓને સંતોષવા નાયિકા જેટલા ફાંફાં મારે છે અને એ આખી પરિસ્થિતિમાં પોતાની હાલત પર ખુદ નાયિકાને દયા આવે છે.
બીજાની આંખોમાંથી ઉતરી જવાની આખી પરિસ્થિતિ જેટલી તકલીફ નથી આપતી એનાથી વધુ તકલીફ ત્યારે પડે છે જ્યારે આપણી આંખમાંથી આપણે પોતે ધીરે ધીરે ખવાતા જતા હોઈએ...! આપણી અંદરનો અવાજ જ્યારે આપણું અપમાન કરે ત્યારે અરીસામાં દેખાતું આપણું પ્રતિબિંબ પણ આપણને આંકરૂ લાગે છે. બીજાનો અસ્વીકાર તો સહી શકાય પણ સતત ચાલતો આપણી આત્માનો અસ્વીકાર આપણને થકવી દે છે!

'MAHOTU' is Available On Flip-kart & Pratham Books website
You can Get The Copy Of My Book From Flip-kart
http://www.flipkart.com/mahotu/p/itmefrsgqu2ryjen
http://www.prathamgujaratibooks.com/book-details.aspx…
For This Photo
Editing & Design by Parth Rathod